Positive story
હાથો કી લકીરો પર મત જા એ ગાલિબ
નસીબ તો ઉનકે ભી હોતે હૈ જીન કે હાથ નહિ હોતે.
પિતા રીક્ષા ચલાવતા હોય...
માતા ખેતમજૂરી કરતી હોય...
નાનો ભાઈ દસ વર્ષની ઉંમરે જ ધોરણ-5 પછી ભણવાનું છોડી કામે લાગી ગયો હોય..
કુટુંબમાં સત્તર પેઢી સુધી શિક્ષણનું નામ-નિશાન ન હોય...
એવા પરિવારનો એક છોકરો દેશનો સૌથી નાની વયનો IAS અધિકારી બને તો કેવું લાગે..!!!?
હા, અંસાર એહમદ શેખ ફક્ત 21 વર્ષની ઉંમરમાં UPSC પાસ થનાર દેશનો સૌથી નાની વયનો IAS અધિકારી છે.
મહારાષ્ટ્રના મારાઠવાડા વિસ્તારમાં જાલના જિલ્લાના શેલગાવ નામના ગામમાં 1 જૂન 1995ના રોજ એક ખૂબ જ ગરીબ અને સામાન્ય પરિવારમાં ઝૂંપડપટ્ટીમાં જન્મેલા અંસારના પિતા વાસણ વેચવાનું અને રીક્ષા ચલાવવાનું કામ કરતા હતા.(હા, હાલમાં પણ તેઓ રીક્ષા ચલાવે છે.)
ઘરની આર્થિક હાલત ખૂબ જ ખરાબ. પિતા ક્યારેક દારૂના રવાડે પણ ચડતા. પિતાએ ત્રણ પત્નીઓ કરેલી. અંસાર બીજી પત્નીનો દીકરો હતો. અંસારની બે બહેનોના નાનપણમાં જ લગ્ન થઈ ગયા હતા. ઘરમાં એના સિવાય પણ ઘણાંબધાં બાળકો હતાં.
અંસારની માતા અકસ્માતે એક વર્ષ સુધી પાગલ થઈ ગયેલી. ઘણી પણ ઘણીબધી સમસ્યાઓ હતી. ઘરનું ઘર નહોતું. ભાડાના મકાનમાં ગયા તો ત્યાં સંડાસ-બાથરૂમની વ્યવસ્થા પણ નહોતી. નાનો ભાઈ ધોરણ-6થી જ અભ્યાસ છોડી મામા સાથે કામે લાગી ગયેલો.
એક સામાન્ય રીક્ષા ડ્રાઇવર માટે બધાનું ભરણપોષણ કરવું ખૂબ કપરું હતું, તો બાળકોને ભણાવવાની તો વાત જ શી કરવી..!
છતાં અંસાર ચાર ધોરણ સુધી ભણ્યો. પણ પછી પરિવારજનોએ કહ્યું કે, "છોકરો ભણીને શું ઉકાળવાનો છે...? નોકરી તો મળવાની નથી..! અને આપણી કોમ(મુસ્લિમો)ને નોકરી આપે પણ કોણ..? આને ભણાવવાથી કાંઈ વળવાનું નથી. તેને કામે લગાડી દો, જેથી ઘરમાં બે પૈસા આવક થાય.!"
આમ વિચારી પિતા અંસારનું લીવીંગ સર્ટીફિકેટ કઢાવવા સ્કૂલે ગયા. સ્કૂલમાં પુરૂષોત્તમ પલુસકર નામના એક માયાળુ શિક્ષકે તેમને સમજાવતા કહ્યું કે,
'છોકરો ભણવામાં હોંશિયાર છે. તેને ભણવું હોય ત્યાં સુધી ભણવા દો ને..!'
અને પિતા માની ગયા. અભણ મા-બાપ આમ શિક્ષકોની વાત તરત માની લેતા હોય છે. શિક્ષક ઉપર તેઓ ભરોસો પણ કરતા હોય છે. અંસાર કહે છે :
'હું આજે જે કાંઈ છું તે પેલા શિક્ષક ને લીધે જ. નહીંતર આજે હું પણ મારા પિતાની જેમ ક્યાંક રીક્ષા ચલાવતો હોત.'
અંસાર ભણવામાં હોંશિયાર ખરો પણ પુસ્તકો, યુનિફોર્મ અને અન્ય ખર્ચ કોણ ભોગવે..? તેના નાના ભાઈ અનિસે મોટાભાઈ અંસારને ભણવામાં મદદરૂપ થવા પોતે ધોરણ-6 પછી અભ્યાસ છોડી દીધો અને મામાને ત્યાં જઈ તેમની ગ્રોસરી શોપમાં કામે લાગી ગયો.
સ્કૂલના વખતમાં તો બુક અને કપડાંની પણ તંગી હતી. ફાટેલા અને થિંગડાંવાળા કપડાં પહેરી અંસાર સ્કૂલે જતો. ઉપર યુનિફોર્મનો સફેદ શર્ટ પહેર્યો હોય. નીચે બીજું કાંઈક. શિક્ષક જોઈ ન જાય એટલા માટે તે પ્રાર્થના વગેરે બોલાઈ જાય પછી કોઈનું ધ્યાન ન જાય એમ છુપી રીતે વર્ગમાં આવતો અને બધા વચ્ચે જઈ છુપાઈને બેસી જતો.
ઘરે ક્યારેક એકાદ ટાઈમ તો ક્યારેક બે ટાઈમ જમવાનું મળતું. જેથી અંસાર સ્કૂલનું મધ્યાન ભોજન ધરાઈને જમી લેતો. ક્યારેક તો મધ્યાન ભોજનની એ ખિચડીમાં જીવાત કે વંદા પણ નીકળતા... છતાં ઘર કરતા એ ભોજન સારું જ હતું.
સ્કૂલમાં વકતૃત્વ કે એવી બીજી સ્પર્ધાઓમાં ભાગ લઈ અંસાર જે રોકડ ઇનામ જીતતો તેમાંથી તે ફી અને બુકનો ખર્ચ કાઢતો. તેનો ધોરણ-10 સુધીનો અભ્યાસ જિલ્લા પરિષદ સ્કૂલમાં થયો. અંસારે ધોરણ-10ની પરીક્ષા 76% સાથે પાસ કરી.(SJ)
પોતાને UPSC પાસ કરવાની પ્રેરણા ક્યાંથી મળી એ સંદર્ભની વિગતો આપતા એક ઇન્ટરવ્યૂમાં અંસાર કહે છે કે,
"દસમાંના વેકેશનમાં અમારા એક માપરીસર નામના વર્ગશિક્ષક MPSC ની પરીક્ષા પાસ કરી ઓફિસર બની ગયા. છાપામાં નામ છપાયું. હું જઈને તેમને મળ્યો. પૂછ્યું કે સર, તમે ઓફિસર કેવી રીતે બન્યા..? મારે પણ ઓફિસર બનવું છે. અને તેમણે મને MPSC ની પરીક્ષા વિશે સમજાવ્યું. અને મેં ઓફિસર બનવાનું નક્કી કર્યું."
બીજો પણ એક કિસ્સો કે જેણે અંસારને IAS બનવાની પ્રેરણા આપી તેના વિશે વાત કરતા તે કહે છે કે,
"અમારો પરિવાર આર્થિક ગરીબ એવો BPL(બીલો પૉવર્ટી લાઈન) પરિવાર હતો. તેથી એક ઘરકુલ યોજના અંતર્ગત રૂપિયા 30,000/-ની મદદ સરકારે આપી. તાલુકા ઓફિસમાં અમે તેનો ચેક લેવા ગયા. ત્યાંના એક અધિકારીએ કહ્યું કે 'જો દસ ટકા એટલે કે 3000 રૂપિયા(લાંચ) આપો તો તમારો 30,000/- નો ચેક તરત જ પાસ કરવી દઉં..!'
અને મારા પિતાએ તેને 3000 રૂપિયા આપ્યા. ત્યારે મને ખબર પડી કે ભ્રષ્ટાચારનો શિકાર અમારા જેવા ગરીબોએ જ વધુ બનવું પડે છે. અને મને ગરીબોને મદદરૂપ થવા IAS બનવાની ઈચ્છા થઈ."
વેકેશનમાં કોમ્પ્યુટર શીખવા MSCIT નો કોર્ષ કરવાનું વિચાર્યું. પણ ફીના 2800 રૂપિયા ક્યાંથી કાઢવા..? જેથી અંસારે પિતાને વાત કરી કે 'મારે પૈસાની જરૂર હોય હું આપણા ગામની હોટલમાં કામ કરવા લાગી જાઉં છું.'
અને એમ અંસાર પોતાના ગામની એ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને ચા-પાણી આપવા, ટેબલ સાફ કરવા, દૂરથી પાણીના કેરબા ભરી લાવવા અને રાત્રે 10 વાગ્યે હોટલ બંધ થાય પછી એક કલાક સુધી આખી હોટલ સાફ કરવાની સવારના 8.00 થી રાત્રિના 11.00 વાગ્યા સુધીની વેઇટરની નોકરી કરવા લાગી ગયો. વચ્ચે બે કલાકના બ્રેકમાં તે જમીને કોમ્પ્યુટર ક્લાસમાં જઈ આવતો.
આમ રેસ્ટોરન્ટમાં વેઇટરની કામગીરી કરી અંસારને 3000 રૂપિયા પગારના મળેલા એ પૈસામાંથી ફી ભરીને વેકેશનમાં કોમ્પ્યુટર કોર્ષ કર્યો.
ગણિત-વિજ્ઞાન પ્રત્યે પહેલાથી જ અણગમો હોઈ અંસારે આગળ ભણવા માટે આર્ટ્સ પસંદ કર્યું. ધોરણ 11,12નો અભ્યાસ બદ્રીનારાયણ બરવાળે કોલેજમાં થયો. ધોરણ-12માં તેણે 91% જેવું ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું. સંસ્કૃત વિષયમાં તો 100માંથી 100 માર્ક આવ્યા..!
ધોરણ-12 પાસ કર્યા પછી (2012-13)ના વેકેશનમાં અંસાર પંદર-સોળ હજાર રૂપિયાના પુસ્તકો ખરીદવા માંગતો હતો પરંતુ પૈસા ક્યાં હતા..!? તેથી અંસારે એક ઓફિસમાં પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી. 8-8 km જવા-આવવાના અને 8 કલાકનું કામ.
પગારના એ પૈસાની બુક ખરીદી અંસારે તૈયારી શરૂ કરી. ત્યાં એક રીક્ષાવાળા કાકા મળ્યા. તેઓ ભવિષ્ય જોતા હતા. અંસારને એવી વાતોમાં વિશ્વાસ નહોતો પણ કાકાએ આગ્રહ કરી મફત હાથ જોઈ આપ્યો અને કહ્યું કે 'તને કલાસ વન પોસ્ટ નહિ મળે. કલાસ ટુ મળશે.' અંસારે તેમને કહ્યું કે 'હું કરી બતાવીશ.' અને એ કાકાનું ભવિષ્ય ખોટું સાબિત થયું.
ધોરણ-12 પછી આગળ અભ્યાસ માટે અંસાર પૂના ગયો. સારા ટકા હોઈ લોકમાન્ય તિલકે સ્થાપેલી પ્રસિદ્ધ ફરગ્યુશન કોલેજમાં એડમિશન મળી ગયું. કોલેજના એક પ્રાધ્યાપક ત્યારે UPSC ની તૈયારી કરતા હતા. તેમણે અંસારને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું કે MPSC કરતા પણ મોટી UPSC ની પરીક્ષા છે. જે પાસ કરવાથી IAS બની સીધા કલેક્ટર બની શકાય.
અને અંસારને થયું કે મોટી ગેમ જ કેમ ન ખેલવી..! પ્રયત્ન કરવામાં તો કાંઈ પૈસા થવાના નથી. અને એમ તેણે કોલેજના અભ્યાસની સાથે UPSCની તૈયારી પણ શરૂ કરી.
પૂનામાં યુનિક એકેડેમીના તુકારામ જાદવ નામના સરના મદદ મળી. તેમણે 70,000/-ની જગ્યાએ પચાસ ટકા(35000) જ ફી લીધી. એ પણ અંસારે ચાર-પાંચ હપ્તામાં ચૂકવી. એફ.વાય.બી.એ.માં રાજયશાસ્ત્ર મુખ્ય વિષય સાથે અભ્યાસ પણ ચાલુ જ હતો. ખર્ચ કાઢવા માટે FYBA ના વેકેશનમાં પણ અંસારે પાર્ટ ટાઈમ જોબ કરી ફીના પૈસા એકઠા કર્યા.
પરંતુ પછીથી તેણે કોઈ જોબ ન કરી. કારણ કે ગોલ (UPSC) એચિવ કરવા ખૂબ તૈયારી કરવી પડતી. સતત વાંચન ચાલતું. સાત-આઠ મિત્રોનું એક ગૃપ બની ગયેલું. બધા સાથે તૈયારી કરતા.
અંસારનો નાનો ભાઈ પોતાના પગારના બધા પૈસા(6000)દર મહિને અંસારને મોકલી આપતો. અંસાર કહે છે કે, 'મારી સફળતા માટે મારા માતા-પિતા ઉપરાંત મારા નાનાભાઈનો ફાળો પણ ખૂબ મોટો છે.'
ઘરના લોકોની મદદ છતાં પૈસા ઘટતા. જેથી માતા પણ ખેતમજૂરી કરતી અને તેને પૈસા મોકલતી. ઘરમાં ખાવાની પણ તકલીફ હતી. છતાં એ લોકોએ અંસારને તેનો અણસાર ન આવવા દીધો.
રજાઓમાં ઘરે જતાં અંસારને ગામ લોકો પણ સતત પૂછયે રાખતા કે હવે તને ક્યારે નોકરી મળશે..? તારો પગાર ક્યારે શરૂ થશે..?
ગામલોકોના આવા પ્રશ્નોથી બચવા અંસાર રાત્રિની 11.00 વાગ્યાની બસમાં નીકળતો અને સવારે વહેલા પાંચ વાગ્યે ઘરે પહોંચતો. બે-ત્રણ દિવસ એ ઘરમાં જ પુરાઈ રહેતો અને પરત પણ ગામ લોકો સુઈ જાય ત્યારે રાત્રિની 11.00 વાગ્યાની બસમાં નીકળતો. જેથી પ્રશ્નો પૂછી લોકો તેને પરેશન ન કરે..!(SJ)
કોલેજનો અભ્યાસ ચાલુ હતો અને સાથે UPSC ની તૈયારી પણ જોરશોરથી ચાલુ હતી. રાજ્યશાસ્ત્ર સાથે 77% પ્રાપ્ત કરી જૂન-2015માં ગ્રેજ્યુએશન કરનાર અંસારે ઓગસ્ટ-2015માં UPSC ની પ્રિલીમ આપી. ચાર વર્ષની સખત મહેનત ઊગી નીકળી અને અંસાર પ્રિલીમ પાસ થયો.
પાંચ લાખ ઉમેદવારોમાંથી પંદર હજાર પ્રિલીમ પાસ થયા તેમાં અંસાર પણ એક હતો.
પ્રિલીમ પછી 100 દિવસની જોરદાર તૈયારી કરી મેઇન્સ પરીક્ષા આપી અને મુંબઈમાં છ દિવસ ચાલેલી આ પરીક્ષામાં 2800 ઉમેદવાર પાસ થયા. જેમાં અંસારે પણ સફળતા પ્રાપ્ત કરી.
હવે છેલ્લો પડાવ પાર કરવાનો હતો. મૌખિક ઇન્ટરવ્યુના દસ-બાર દિવસ બાકી હતા અને અંસારના સગા બનેવીનું દુઃખદ અવસાન થયું. અંસારને તેના જીજાજી સાથે બહુ ભળતું. જેથી સ્વાભાવિક છે કે આઘાત લાગે. જો કે પરિવારજનોએ તેને સાંભળી, સમજાવી પૂના પરત મોકલી દીધો.
9મી એપ્રિલે મુંબઈમાં મૌખિક ઇન્ટરવ્યૂ આપ્યું. પી.કે.જોશીનું બોર્ડ હતું. પહેલો જ પ્રશ્ન પૂછ્યો..
'તમે ક્યાં મુસ્લિમ.. શિયા કે સુન્ની..?'
અંસારે જવાબ આપ્યો...
'હું એક ભારતીય મુસ્લિમ છું.'
આ અને આવા બીજા લાજવાબ જવાબૉથી સમિતિના સૌ સભ્યો ખુશ થઈ ગયા અને 275માંથી સૌથી વધુ 199 માર્ક મેળવી અંસારે ભારતની સૌથી મોટી પરીક્ષા સૌથી નાની ઉંમરે ક્રેક કરી.
ચાર વર્ષની સખત મહેનતનું પરિણામ મળ્યું. પરિણામના દિવસે સતત ટેન્સન હતું. શું થશે તેની ચિંતા હતી. અંસારને જ્યારે મિત્રએ ફોન કરી પાસ થયાની જાણ કરી ત્યારે તેના હૃદયના ધબકારા વધી ગયા. શરીરનું તાપમાન પણ વધી ગયું. આનંદની કોઈ સીમા નહોતી.
આ ખુશીના સમાચાર આપવા અંસારે પિતાને ફોન કર્યો. રોજની જેમ પિતા રીક્ષા ચલાવતા હોઈ તેમની સાથે રોજની જેમ જ સરખી વાત ન થઈ શકી. ઘરે ફોન કર્યો તો માતા અને બહેનોની આંખોમાં ખુશી આંસુ આવી ગયા.
મિત્રોએ પાર્ટી માગી અને હોટલમાં જમવા લઈ જવા કહ્યું... પરંતુ અંસાર પાસે તો ક્યાં પૈસા જ હતા..? મિત્રો પણ જાણતા હતા... તેથી એક મિત્રના રૂમ પર જ જમણવાર ગોઠવી નાખ્યો.
આમ, એક સાવ સામાન્ય પરિવારનો બાળક પોતાની અખૂટ મહેનત અને દ્રઢ નિશ્ચયથી આ દેશનો સૌથી નાની ઉંમરનો IAS અધિકારી બની ગયો.
UPSCની તૈયારી કરી રહેલા યુવાનોને પ્રેરણા આપતા અંસાર શેખ કહે છે :
'આપણી સ્પર્ધા બીજા કોઈ સાથે નથી હોતી, પોતાની જાત સાથે જ હોય છે.'
'તમે આકાશને આંબી જાવ છતાં તમારા પગ તો જમીનથી જડાયેલા જ રહેવા જોઈએ.'
'દુનિયાની કોઈ પરીક્ષા પાસ કરવી અશક્ય નથી. પરીક્ષા બધી પાસ કરવા માટે જ હોય છે. ફેલ તો આપણે થતા હોઈએ છીએ.'
"મારે આ પરીક્ષા શા માટે આપવી છે..?"
તમે તમારી જાતને આ પ્રશ્ન કરશો ત્યારે જે જવાબ મળે તે તમારો ગોલ છે.
હું IAS થયો છું એટલે તમે પણ થઇ શકશો એવુ ન માનતા. તમારો ગોલ તમે નક્કી કરો.(SJ)
UPSCની પરીક્ષા બહુ અઘરી હોય છે. જાડાજાડા 60-65 પુસ્તકો 3-4 વખત વાંચવા પડે છે અને બધું યાદ રાખવું પડે છે. ક્યારેક ટેંશનમાં આવી જવાય. ક્યારેક નિરાશ અને નાસીપાસ પણ થઇ જવાય...! આવા સમયે તમે તમારી જાતને પૂછો કે તમે શા માટે આ કરો છો..? અને જે જવાબ મળે તેનાથી ડબલ ઉત્સાહિત થઇ ફરી પાછા મંડી પડો.
"આ પરીક્ષા ક્યારે આપવી..?"
તેના જવાબમાં એટલું જ કહેવાનું કે વહેલામાં વહેલી તકે નાની ઉંમરે આપવી. હું વહેલો IAS બન્યો એટલે કેબિનેટ સેક્રેટરી પદ પ્રાપ્ત કરી શકું છું.
ગમે તે પરીક્ષા પાસ કરવા પ્રોપર તૈયારી કરવી જરૂરી છે.
છોકરાઓની સાથે છોકરીઓને પણ ભણાવવી જોઈએ અને પુરી તક આપવી જોઈએ.
હું ઈચ્છું છું કે દેશના દરેક બાળકને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય. મે જે સહન કર્યું છે તે બીજા કોઈએ સહન કરવું ન પડે અને એટલે જ હું એક સારો ઓફિસર બનવા માંગુ છું.
હું જયારે પણ કોઈ બાળકને કામ કરતો જોઉં છું ત્યારે તેમાં હું મારી જાતને નિહાળતો હોઉં છું. અને તેથી જ મને આવા ગરીબ લોકો માટે કામ કરવાની પ્રેરણા મળે છે.
હું નાનપણમાં હોટલમાં વેઇટર તરીકે કામ કરતો, લોકોને ચા-પાણી આપતો, ટેબલ સાફ કરતો... ત્યારે મને બહુ જ ખરાબ લાગતું હતું. અને એટલે જ મેં ઓફિસર બનવાનું પસંદ કર્યું.
મને કોઈ વીતી ગયેલી જિંદગી ફરી જીવવાનું કહે તો હું ઈચ્છું કે મારું બાળપણ મને પાછું મળે, મારા પિતા રીક્ષાચાલક નહિ પણ IAS ઓફિસર હોય અને મને નાનપણમાં ન મળેલી બુક અને યુનિફોર્મ મળી જાય.
મારી પાસે બે જ વિકલ્પો હતા : do or die. અને મેં કરી દેખાડ્યું.
મિત્રો,
અંસાર શેખ ટોપર ટીના ડાભી અને અન્ય મિત્રો સાથે મસૂરી ખાતે પોતાની ટ્રેનિંગ પૂરી કરી હાલ પશ્ચિમ બંગાળ કેડરમાં ફરજ બજાવી રહ્યા છે. વઇઝા અન્સાર નામની ખુબસુરત ગર્લફ્રેન્ડ સાથે ટૂંક સમય માં જ લગ્નગ્રંથિથી જોડાશે. આપણે ઇચ્છીએ કે અંસાર શેખે જોયેલા દરેક સપના સાકાર થાય.
એક રીક્ષા ચાલકનો દીકરો આટલા અભાવ વચ્ચે પણ પોતાના અડગ નિર્ણયથી IAS બની શકતો હોય તો તમે પણ ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકો છો.
કદમ જો જ્યાંનવે મંઝિલ બઢા નહિ સકતે,
કસમ ખ઼ુદાકી વો મંઝિલ કો પા નહિ સકતે,
બચાયે રખતે હે દામન જો અપના કાંટો સે,
વો ફૂલ બનકે કભી મુસ્કુરા નહિ સકતે.


Comments
Post a Comment